ચાલ, કાગળ વાંચીએ...
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું ?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે ?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.
No comments:
Post a Comment