કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને
મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ? માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાને જ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે. માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ? બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી ! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
My humble attempt and musing to grow up and hopefully be a better human being during this life time. I plan to share some of the books, writings, poems that have helped me grow up so far. Of course the journey continues till the last day. I would love to hear from the readers which books, writings, poems, anything else which have influenced them in their lives. ~~ I get lots of nice "forwarded" emails. The blog also serves as collecting pot of these selected stories & writings.
No comments:
Post a Comment