Friday, February 4, 2011

‘ટાઈમ’ મેગેઝિનના મતે સરદાર જ બોસ’ હતા..

આવનારાં વર્ષોમાં દેશના તમામ નેતાઓ ભૂલાઈ જવાના છે, પરંતુ ગાંધીજી અને સરદાર લોકોના માનસપટ પરથી કદીયે અદૃશ્ય નહીં થાય. કોંગ્રેસ પણ હવે જવાહરલાલ નહેરુને ભૂલતી જાય છે. ભાજપા વાજપેયીને પણ ભૂલી ગયું છે. ડીએમકે કામરાજને, તેલુગુદેશમ્ એન.ટી. રામારાવને અને એડીએમકે એમ. જી. રામચંદ્રનને ભૂલી ગયા છે, પરંતુ ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને વકરતા જતા પ્રદેશવાદના સમયમાં સરદાર સાહેબ વધુ યાદ આવે છે. સ્વિસ બેંકોમાં ભારતીય નેતાઓના સૌથી વધુ નાણાં હોવાનું મનાય છે ત્યારે સરદાર સાહેબે ‘ભારત કી એક્તા કા નિર્માણ’ પુસ્તકમાં લખ્યું હતું : “મારા પર ઘણી વાર આક્ષેપ થાય છે કે, હું બિરલાજીનો સાથી છું, મૂડીવાદીઓનો સાથી છું, પણ એ બધું ખોટું છે. જે દિવસથી મેં ગાંધીજીનો સાથ આપ્યો છે તે દિવસથી મેં એક પ્રતિજ્ઞા લીધી છે કે, હું મારી કોઈ પણ મિલકત રાખીશ નહીં. મેં ગાંધીજી પાસેથી શીખી લીધું છે કે, આનાથી વધુ બીજા કોઈ સમાજવાદમાં હું માનતો નથી.”

સરદાર સાહેબ પાસે પોતાની કોઈ જ ભૌતિક મિલકતો નહોતી. નહીં જમીન કે નહીં મકાન. સરદારને એક જ પુત્ર હતા તે ડાહ્યાભાઈ અને પુત્રી મણિબહેન. તેમણે પોતાના પુત્ર કે પુત્રીને જાહેરજીવનમાં કોઈ પણ અગ્રસ્થાને બેસાડવા પ્રયાસ કર્યો નહોતો. કોઈને પક્ષનો હોદ્દો કે ટિકિટ પણ આપી નહોતી. સરદારના પુત્ર ડાહયાભાઈ મુંબઈમાં મરીન ડ્રાઈવ વિસ્તારના ‘મેઘદૂત’ નામના ઘરમાં રહેતા હતા.

તે વખતે ડાહ્યાભાઈ પાસે એક મોટરકાર હતી. સરદાર મુંબઈ આવે એટલે પુત્રના ઘેર ઊતરે. એક વખત સરદાર મુંબઈ આવ્યા. એ વખતે તેમણે ડાહ્યાભાઈના ઘર આગળ બે એમ્બેસેડર મોટરકાર જોઈ. સરદારે પૂછયું : “ડાહ્યા, તારી પાસે તો એક જ મોટર હતી. આ બીજી ક્યાંથી આવી?”

ડાહ્યાભાઈએ કહ્યું : “એ તો બિરલા શેઠે ભેટ આપી છે.”

સરદારે કડક થઈ કહ્યું : “બિરલા શેઠ તને મોટર શા માટે ભેટ આપે એ ભલે તું ના સમજતો હોય, પરંતુ હું બધું સમજું છું. તું આ રીતે વેપારી લોકોની ભેટ લેતો થયો છે તેથી હું તારા ઘેર હવે રહી શકું નહીં.” - બસ સરદાર સાહેબે તેમના જીવનનો છેલ્લો દિવસ પોતાના એકના એક પુત્રના ઘેર ગાળ્યો અને તે પછી તેઓ કદીયે ડાહ્યાભાઈના ઘેર ઊતર્યા નહીં.

એ વખતે સરદાર સાહેબ દેશના નાયબ વડા પ્રધાન હતા. એક વખત ડાહ્યાભાઈએ મણિબહેનને પત્ર લખ્યો કે, “હું દિલ્હી આવવા માગું છું.” મણિબહેને એ પત્ર પિતાને વંચાવ્યો. સરદાર સાહેબે મણિબહેનને સૂચના આપી : “લખી દો એને, તારે દિલ્હી આવવાની કોઈ જરૂર નથી. એ રહ્યો વેપારી માણસ. જાણે-અજાણે પણ મારા નામનો ઉપયોગ થાય એ મને પસંદ નથી.”

સરદાર સાહેબની મિલકતમાં પતરાની એક પેટી, એક સગડી અને એલ્યુમિનિયમના બે લોટા જ છોડીને તેઓ ગયા.

સરદાર સાહેબને કોઈએ એક વાર પૂછયું હતું : “સરદાર, તમારું કલ્ચર વેસ્ટર્ન કલ્ચર છે કે ઇસ્ટર્ન?”

સરદાર સાહેબે કહ્યું હતું : “મારું કલ્ચર એગ્રિકલ્ચર છે.”

સરદાર સાહેબ બિનસાંપ્રદાયિક હતા, પરંતુ તેમને દંભી બિનસાંપ્રદાયિકતા ખપતી નહોતી. જિર્ણોદ્ધાર બાદ સોમનાથના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે સરદાર સાહેબે એ વખતના ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને સોમનાથ આવવા આમંત્રણ આપ્યું. રાજેન્દ્ર બાબુએ એ આમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું. એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને આ વાતની ખબર પડતાં વડા પ્રધાનની હેસિયતથી રાષ્ટ્રપતિને સાત પાનાંનો પત્ર લખી જણાવ્યું કે, ભારત એક સાંપ્રદાયિક દેશ છે. ભારતના રાષ્ટ્રપતિ કોઈ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જાય તે યોગ્ય નથી, પરંતુ સરદાર સાહેબ અને રાજેન્દ્ર બાબુ જુદી જ માટીથી ઘડાયેલા હતા. રાજેન્દ્ર બાબુએ જવાહરલાલને પત્ર લખી જણાવ્યું: “હું ભલે રાષ્ટ્રપતિ રહ્યો, પરંતુ તેથી હું હિન્દુ મટી જતો નથી.”

અને સરદાર સાહેબ તથા રાજેન્દ્ર બાબુએ જવાહરલાલની પરવા કર્યા વગર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમંગથી ભાગ લીધો.

આવા સરદારનું તા. ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ મુંબઈમાં સવારે ૯.૩૮ કલાકે અવસાન થયું. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંત્યેષ્ઠિ કરવાનો નિર્ણય લેવાયો, પરંતુ સરદારના પુત્ર ડાહ્યાભાઈ, પુત્રી મણિબહેને કહ્યું : “સરદાર ધરતીપુત્ર હતા. તેમના માટે એક એક સેન્ટિમીટરની જમીન પણ કીમતી હતી. તેમની સમાધિ માટે અલગ સરકારી જમીનનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેમના અંતિમ સંસ્કાર એક સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય લોકોના સ્મશાનમાં જ થવા જોઈએ.”

અને સરદાર સાહેબના અંતિમ સંસ્કાર મુંબઈના સોનાપુરના સ્મશાનમાં કરવાનો નિર્ણય લેવાયો. સ્મશાયાત્રામાં મુંબઈના પુષ્કળ લોકો જોડાયા. એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સરદારની અંતિમક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા નહોતા. મહારાષ્ટ્રના નેતા સદોબા પાટિલે જવાહરલાલને ફોન કર્યો, પરંતુ નહેરુએ ના પાડી. સદોબા પાટિલે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને ફોન કર્યો. રાજેન્દ્ર બાબુ એ કહ્યું : “હું આવું છું.”

રાષ્ટ્રપતિ અંતિમક્રિયામાં જવાના હોઈ જવાહરલાલે પણ નાછૂટકે મુંબઈ આવવું પડયું. સ્મશાનમાં સદોબા પાટિલે સરદાર સાહેબની અંતિમક્રિયા વખતે અંજલિ આપવા માટે નાનો મંચ ઊભો કર્યો હતો. જવાહરલાલે કહ્યું : “સદોબા, આ બધું શું નાટક માંડયું છે?”

સદોબા પાટિલે કહ્યું : “આ તો રાજેન્દ્ર બાબુ વગેરેની ઇચ્છા છે કે, સરદાર સાહેબને અંજલિ આપવા બે શબ્દો બોલી શકાય.”

જવાહરલાલ નહેરુએ કહ્યું : “હું આવા લાગણીવેડામાં માનતો નથી. મૃત્યુ પામેલાઓના મૃતદેહ પર શું બોલવાનું?”

જવાહરલાલે બોલતાં તો બોલી નાખ્યું, પરંતુ બીજી બાજુ લાખો લોકો સરદાર સાહેબની અંતિમક્રિયા વખતે હાજર હતા. રાજેન્દ્ર બાબુએ જ પ્રવચન શરૂ કર્યું અને જવાહરલાલ નહેરુએ પણ નાછૂટકે બોલવું પડયું અને સરદાર સાહેબના પુત્ર ડાહ્યાભાઈએ પિતાને મુખાગ્નિ આપ્યો. લાખો લોકોની અશ્રુભીની આંખો સમક્ષ સરદારનો દેહ એક આમઆદમીની જેમ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો.

આજે દિલ્હીમાં અનેક નેતાઓના ઘાટ અને સમાધિઓ છે, પરંતુ સરદાર સાહેબની અંતિમક્રિયા મુંબઈના એક સામાન્ય લોકોના સ્મશાનગૃહમાં થઈ હોઈ તેમની સમાધિ કે ઘાટ નથી.

સરદાર સાહેબને ઇંટો કે સિમેન્ટની બનેલી કોઈ જ સ્મૃતિની જરૂર નથી, સરદાર સાહેબની સમાધિ ભારતીયોના હૃદયમાં છે.

ગુજરાત સરકાર તો નર્મદાકિનારે સરદારશ્રીની પ્રતિમા તો જ્યારે ઊભી કરશે ત્યારે કરશે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે, નર્મદા તટે સરદાર સરોવર પાસે શ્રી સ્વામિનારાયણ સંસ્થાન મણિનગર તરફથી સરદાર સાહેબની ૧૨ ફૂટ ઊંચી ધાતુની પ્રતિમા ઇ.સ. ૨૦૦૦ના મિલેનિયમ વર્ષે જ સ્થાપિત કરી દેવામાં આવી છે. અમદાવાદના એરપોર્ટ ઉપર પણ સરદાર પટેલની કેનવાસ પર પૂરા કદની તૈલ પ્રતિમા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી મૂકવામાં આવી છે અને ‘સરદાર પટેલ એક સિંહ પુરુષ’નું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંસ્થાના સ્થાપક મુક્તજીવન સ્વામીના પિતા મૂળજીભાઈ તુલસીભાઈ પટેલના સરદાર સાહેબ પ્રિય સાથી હતા અને મુક્તજીવન સ્વામી પણ સરદારશ્રી પ્રત્યે અત્યંત આદર ધરાવતા હોઈ મંદિરના આર્કાઈવ્ઝમાં ૧૯૪૭ની સાલના ‘ધી ટાઈમ’ મેગેઝિન જેવાં અલભ્ય સામયિકો સંગ્રહિત કરવામાં આવ્યાં છે. ન્યૂયોર્કથી પ્રગટ થતા ‘ટાઈમ’ ના ૧૯૪૭ના જાન્યુઆરી માસના અંકમાં આ મેગેઝિને સરદાર સાહેબની તસવીર સાથે ‘ધી બોસ’ શીર્ષક સાથે એક વિસ્તૃત લેખ પ્રગટ કર્યો હતો અને સરદાર સાહેબ ગાંધીજીના કેવા મજબૂત સાથી હતા, કેવી સાદગી અપનાવતા હતા અને લોકો પર તેમનો કેવો જાદુ હતો તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આજના આ કક્ષમાં ‘ટાઈમ’ મેગેઝિનના કવર પેજની એ દુર્લભ તસવીર મૂકવામાં આવી છે.

No comments: