Thursday, October 21, 2010

જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો..

એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે - આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ બહવે એથી લાડુ લેવા આવ્યો છુ.' મારા અશ્ચર્યન પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલા ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મેં મિત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યુ - 'ભલા માણસ, આ શી મજાક માંડી છે...! માજી તો આ રહ્યા તારી બાજુમા..! મિત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યુ : 'દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય-કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હુ માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માંગુ છુ, હું માનુ છુ કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય !'

એમની ભાવતી આઈટમ છે. તે બધું જ હુ એમને ખવડાવું છુ. શ્રદ્ધાળુઓ મંદિરે જઈ અગરબત્તી સળગાવે છે. હુ મંદિરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છુ. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્મા જાતે સાફ કરી આપુ છુ. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મૂર્તિ સાહ કરવા કરતા ઘરડી માનાં ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !'

મિત્રની વાત શ્રધ્ધાળુઓને ખૂંચે એવી છે પણ વાતમાં વજૂદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ-દૂધપાકનુ જમણ જમાડીએ છીએ. રિવાજ ખાતર ભલે તેમ કરવુ પડતુ હોય પણ યાદ રહે ગાય-કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતુ અંથી. અમેરિકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ 'ટીફિનસેવા' હજી શરૂ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધા સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્ય સમજી લેવા જેવુ છે, દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતુ બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતા પ્રેમની અને ટીકા કરતા ટેકાની વધુ જરૂર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ ઘણા ટેંશનો અને જવાબદારીનુ ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓએ કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોને નથી લેતા. સમાજના મોટાભગના વૃધ્ધો અને કે પ્રકારની અવહેલના ઝીલી (હોઠી ભીડીને)જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રૂપિયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે ઘી ચોળવામાં આવે છે. મર્યા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે.. તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરિવર્તન આવવાનુ નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રિવાજને તીલાંજલી આપે તે જરૂરી છે.

હમણા જાણીતા શાયર દેવદાસ - 'અમીર'ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમા રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યુ - જ્યારે હુ નાનો હતો અને આંખમાં આંસુ આવતા હતા ત્યારે મા યાદ આવતી, આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે.. ! સંતો કહે છે, 'નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગણી ઝાલતા, હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !'

વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માંબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપૂર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનુ પુણ્ય મળશે. કહે છે માબાપ તે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે.. અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનુ જ હોય છે. છોકરા નાના હોય અને જમે નહી એટલે મા રડે અને છોકરાં મોટા થઈને જમાડે નહી ત્યારે મા રડે છે ! સંજોગોની એ વિચિત્ર વિટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યુ હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે (જો કે વ્યવ્હારુતા એમાં છે કે સંતાનો પુછે નહી ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરૂરિયાત પણ)

માતૃપ્રેમ વિશે લોકકવીઓએ ઘણું લખ્યુ છે. કવી ધરમશીએ લખ્યુ છે - 'પહેલાં રે માતા.. પછી રે પિતા... પછી લેવુ પ્રભુનું નામ.. મારે નથી જાવું તીરથધામ...! પણ હવે સમય અને સમાજ બંને બદલાયા છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્ચિમની અસર થઈ છે, જે મા દીકરાને ગર્ભમાં રાખે છે. તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે; 'ગરીબ માની ઝૂંપડીમાં કોઈ દી' સાંકડ નહોતી થાતી... આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી.. તો શરમ, મરજાદ અને સંસ્કૃતિ ક્યં ગઈ જે ગૌરવ આપણુ ગણાતી...? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન.. એમ માવડી નથી પોસાતી..!

અમારા બચુભાઈ કહે છે : 'આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીમાં સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નિયમિત ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનુ મૈયત જઈ રહ્યુ હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીન પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે.સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જ જીવનયાત્રાનુ અંતિમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હિસાબ કરીને માનસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે - 'અંતવેળા જેના માબાપ ના ઠર્યા.. સાત જનમ તેના બુરા ઠર્યા...!

ધૂંપછાંવ

દીકરાઓ દુનિયાની દોડમાં હાંફી રહ્યા છે, તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે, છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરૂરિયાત છે, ઘરડાં થયા વિના એ સમજી શકાતી નથી, વિદેશમાં એક મા દીકરાને પુછે છે : 'બેટા તુ એક કલાક નોકરી પર મોદો જાય તો કેટલો પગાર કપાય ?' દીકરો કહે છે : 'એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડોલર કપાઈ જાય !' મા કહે છે : 'બેટા, મેં થોડા દિવસ મહેનત કરીને પચાસ ડોલર ભેગા કર્યા છે, તુ પચાસ ડોલર લઈ લે અને મને તારો એક કલાક આપ...!

3 comments:

Sunita Dixit said...

wow yaar i have no words abour this how can u say thanks to u.whoever written this.

Sunita Dixit said...

wow yaar i have no words about this how can i say thanks to u whoever written this.but overall i really thanks from me to bottom of my heart.

Unknown said...

such, it is right way to worship of god who made his photocopy in form of our parents, i inspire from this line & always keep in my mind, thank you ...