Wednesday, June 1, 2011

પેટ્રોલના ભાવ વધારા સામે ઝઝુમવાના અધીર અમદાવાદી બ્રાંડ ઉપાયો..

  1. ઓફિસથી ઘરે આવતાં રોજ ઓછામાં ઓછુ એક કિલોમીટર બાઈક ખેંચીને ચાલો. સુગર પણ કંટ્રોલમાં રહેશે. કેમ એવું કરતાં શરમ આવે ? અરે કોઈ ઓળખીતું રસ્તામાં સામે મળી જાય તો એને ભોળા થઈને પૂછવાનું ‘બોસ, અહીં નજીકમાં પેટ્રોલ પંપ ક્યાં હશે?’
  2. નવી નોકરી માટે પગારનું નેગોશિયેશન કરતા હોવ તો કન્વેયન્સ પેટ્રોલના ભાવ કરતાં પચ્ચીસ ગણું માંગી લેવું. એ પણ પાછુ વેરીએબલ.
  3. અઠવાડિયામાં બે વાર ગર્લફ્રેન્ડની સ્કુટી પર ફરવાનું રાખો. એને કહેવાનું: “ડીયર, ઈટ્સ સો એક્સાઈટીંગ ટુ સીટ ઓન યોર સ્કુટી ! તું કરિના હોય અને હું આમિર હોઉં, એવું લાગે છે. તારા સમ !” (સમ તો એના જ ખાવાના!)
  4. બાઈક છોડો, લીફ્ટ માંગો. ટાઈમ પાસ પણ થશે અને હાથના મસલ પણ મજબુત થશે ! (છોકરીઓને મસલ વાળા છોકરા ગમે છે, એવું સલમાન, હ્રીતિકની સફળતા જોઈને લાગે છે
  5. પોતાના ફ્લેટમાં જ છોકરી શોધો. રોજ એની પાછળ દુર સુધી લાંબા નહિ થવું પડે. પેટ્રોલ બચશે. અને છોકરી માટે ‘ફ્લેટમાં પિયરીયું અને ફ્લેટમાં સાસરિયું’ થશે એ નફામાં!
  6. ફ્લેટમાં છોકરી ના મળે તો પેટ્રોલપંપ વાળાની છોકરી શોધો.
  7. કે પછી દહેજમાં પેટ્રોલનો ક્વોટા પહેલેથી નક્કી કરો. સાળો દર અઠવાડિયે બે કારબા પેટ્રોલના મૂકી જાય એવું ગોઠવવાનું!
  8. ઢાળવાળા રસ્તા પર સ્કુટર બંધ કરી ચલાવો, અરે શહેરમાં બહુ ટેકરા છે જોધપુર ટેકરા, ગુલબાઈ ટેકરા, શ્રેયસ ટેકરા, ગોરધનવાડી ટેકરા ! ઉપર ચઢી જાવ અને પછી નીચે ઉતરતા મશીન બંધ!
  9. અને છેવટે સાઈકલ તો છે જ, અને એમાં ડબલ સવારી જવાનું ગર્લ ફ્રેન્ડ સાથે. અફકોર્સ જો ગર્લ ફ્રેન્ડ સાઉથ ઇન્ડિયન હિરોઈન જેવી મજબુત ન હોય તો! પછી પેલું જુનું હિન્દી ફિલ્મી ગીત ગાવા નું.... “સોને કી સાઈકલ, ચાંદી કી સીટ, આઓ ચાલે ડાર્લિંગ ચાલે ડબલ સીટ’. પરસેવો લૂછતાં લૂછતાં પછી ડાર્લિંગને કહેવાનું ‘સો, રોમેન્ટિક નહિ?’

No comments: