દોસ્ત, હું ગુજરાત છું.
જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત. હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!
સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.
મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.
ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.
હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.
વ્હાલા, હું ગુજરાત છું.
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.
મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.
હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.
અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું... અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.
હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.
ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.
ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું.

1 comment:
I love it. Vaachva ni ghani maja padi, aapnu Vadodara yaad aavi gayu.
Post a Comment