એક પરિવાર છે. આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે. આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી. એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે. એક, નાના હોય તેને પ્રેમ કરવો. બે, મોટા હોય તેનો આદર કરવો. ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે જ વર્તન કરે છે. આ બે નિયમથી બધા લોકોની અપેક્ષા સંતોષાઈ જાય છે. એ વડીલે કહ્યું કે ઘર હોય કે કામ, જો દરેક વ્યકિતનો રોલ ડિફાઇન હોય તો પછી વાંધો ન આવે.
મારે શું કરવાનું છે? મારી કેટલી જવાબદારી છે? એટલું જો માણસ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી. તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે.
આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ. ઐણે આ ખોટું કર્યું. આવું કરીને એણે યોગ્ય નથી કર્યું. બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે. મેં કર્યું એ બરોબર છે? હું જે કરું છું એ મને શોભે છે? આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય. આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ.
કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી. સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે. દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે. એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે. બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે. આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ?
તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છે એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે? ઘર હોય, નોકરી-ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ. એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો. સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે.
અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ રીતે લખીને ઇ-મેલથી મોકલી છે. આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે. ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો. ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે. બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી. એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે. ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં. રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા.
ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા. એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો. તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે? બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી. તું પાછો આવી ગયો? ચાલ બહાર નીકળ. તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે. બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.
ભરતભાઈએ એ બાળકને પૂછ્યું, તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે? અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી. બાળકે કહ્યું કે, હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે. મારું કામ છે અગરબત્તી વેચવાનું, એટલે હું અગરબત્તી વેચું છું. તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે.
બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું કે હું અપંગ છું. ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી. મેં તેને પૂછ્યું તો કહ્યું કે, તારી ચિંતા થતી હતી. તને કંઈ થઈ જાય તો? બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી. તું ઘરનું ઘ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે. તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે? ના ગમે ને? મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે. ભગવાનનું કામ ભગવાનને કરવા દે ને. ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે!
ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો.. હું સાવ હળવો થઈ ગયો. મને વિચાર આવ્યો કે હું દીકરાની ચિંતા ખોટી કરું છું. એ મારું કામ નથી. મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપવવાનું, તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું. હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ.
ભગવાને તેનું કામ કર્યું. ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે. કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે. કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે. સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે. તમારા કામને ઓળખો. તમારા કામને એન્જોય કરો. બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં?
છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.
My humble attempt and musing to grow up and hopefully be a better human being during this life time. I plan to share some of the books, writings, poems that have helped me grow up so far. Of course the journey continues till the last day. I would love to hear from the readers which books, writings, poems, anything else which have influenced them in their lives. ~~ I get lots of nice "forwarded" emails. The blog also serves as collecting pot of these selected stories & writings.
No comments:
Post a Comment