Pages

Monday, September 19, 2011

Introspection..

હીન્દુઓ ભગવદ્ ગીતા વાંચે છે. મુસલમાનો કુરાન વાંચે છે. ખ્રીસ્તીઓ બાઈબલ વાંચે છે. બૌદ્ધો ધમ્મપદ વાંચે છે. જૈનો સમણસુત્તં વાચે છે. એવું તે શું છે કે જે કશુંક વંચાય એની અસર જીવનનના વ્યવહાર પર પડતી નથી ? ક્યારેક તો ધર્મગ્રંથોનું વાચન માણસમાં ધાર્મીક હોવાનું મીથ્યાભીમાન જગાડનારું બની રહે છે. ગીતા વાંચનારાનું જીવન કોરું રહી જાય છે. કુરાન મોઢે હોય તોય જીવનમાં ઝનુનની બોલબાલા! ધર્મ સાથે જીવનના કેવા છુટાછેડા!

વર્ષો પહેલાં બનેલો એક સાચો પ્રસંગ યાદ આવે છે. મારા ઘરથી થોડાક અન્તરે ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (જીઈબી)ની હાઉસીંગ કૉલોની છે. એક સાંજે હું ઘરના હીંચકે બેઠો હતો અને એક યુવાન એન્જીનીયર મળવા માટે આવી પહોંચ્યો. એ મારો વાચક હશે એથી અત્યન્ત વીનયપુર્વક એણે પ્રશ્ન પુછયો: ‘સર ! હું કૃષ્ણભક્ત છું અને તમને પણ વાંચું છું. મારે જીવનમાં કૃષ્ણમય બનવા માટે શું કરવું જોઈએ ?’ આવો વજનદાર પ્રશ્ન સાંભળીને હું ઝટ કશુંય બોલી ન શક્યો.

કદાચ ત્યારે મારો મુડ સાવ જુદો હતો. મેં એ યુવાનને કહ્યું: ‘ગીતા વાંચવાનું બન્ધ કરી દેવું જોઈએ.’ મારી આ વાત સાંભળીને એ યુવાન ભારે નીરાશ થયો. એણે કહ્યું: ‘સર ! હું તમારી પાસે બહુ ઉંચી અપેક્ષા સાથે આવ્યો હતો. તમે મને નીરાશ કર્યો છે.’ એ યુવાન જવાની તૈયારીમાં હતો ત્યારે મેં એને મારા જવાબનો મર્મ સમજાવ્યો.

મે કહ્યું: ‘દોસ્ત ! તું એક કામ કર. આવતા છ મહીના સુધી ગીતા બાજુએ મુકી દે. તારી ઑફીસમાં પાંચ મીનીટ વહેલો પહોંચી જજે અને સમય પુરો થાય પછી પાંચ મીનીટ બાદ ઑફીસ છોડજે. ખુરસી પર બેઠો હોય ત્યારે દુરથી કોઈ ગામડીયો વીજળીની મુશ્કેલી અંગે તારી પાસે કામ લઈને આવે ત્યારે તું એનું વાજબી કામ એવી રીતે કરી આપજે, જાણે એ ગામડીયો ગોકુળથી આવેલો કૃષ્ણ જ હોય ! તું આ વાતનો અમલ છ મહીના માટે કર પછી ફરીથી મને મળવા આવજે. તને જરુર સમજાશે કે ગીતા વાંચવાની જરુર નથી. જો તું આ પ્રમાણે ન કરે તો ગીતા વાંચવાનો કોઈ જ અર્થ નથી.’ વર્ષો વીતી ગયાં તોય એ યુવાન હજી મને મળવા આવ્યો નથી.

આ જગતમાં બે ગીતા છે. એક કાગળ પર છપાયેલી પોથીગીતા અને બીજી છે જીવનગીતા. આવું જ કુરાન માટે અને બાઈબલ માટે પણ કહી શકાય. ‘જીવનગીતા’ કે ‘જીવનકુરાન’ વીના ધર્મ પોથીમાંનું રીંગણું બની રહે છે. ધર્મ અને જીવન વચ્ચેના આવા છુટાછેડા થઈ જાય પછી જે બચે છે એ કેવળ બાહ્યાચાર છે. સાધુ ગીતા જીવે છે. ફકીર કુરાન જીવે છે. ગીતા કે કુરાન કંઠસ્થ કરવામાં મીથ્યાભીમાન રહેલું છે. ધર્મગ્રન્થોનો પોપટપાઠ માણસનો અહંકાર વધારે છે.

No comments:

Post a Comment